દાહોદ જિલ્લાના લીમખેડા પંથકમાંથી એક દુઃખદ અને આર્થિક નુકસાન પહોંચાડતી ઘટના સામે આવી છે. લીમખેડા તાલુકાના મોટાહાથીધરા ગામે આવેલા ભરવાડ ફળિયામાં વીજ થાંભલા પર થયેલા શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. થાંભલામાંથી ઉડેલા તણખલા સીધા મકાન પર પડતા ગંભીર આગ લાગી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ અને ચિંતાનો માહોલ સર્જાઈ ગયો હતો.
પ્રવીણભાઈ ચુનિયાભાઈ ભરવાડના મકાનને નુકસાન
પ્રાપ્ત વિગતો અનુસાર આ આગ પ્રવીણભાઈ ચુનિયાભાઈ ભરવાડ નામના વ્યક્તિના મકાનને પોતાની લપેટમાં લીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે ઘરની અંદર રહેલી અનાજ, કપડાં, પલંગ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ સહિતની સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઘરની અંદર બાંધેલું એક મૂક પશુ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હોવાના અહેવાલ છે, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
