દાહોદ જિલ્લામાં મનરેગા યોજનાના અમલીકરણમાં ભારે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના અહેવાલો બાદ વહીવટી તંત્ર દ્વારા વધુ એક મોટો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. દેવગઢ બારિયા તાલુકાની રેઢાણા ગ્રામ પંચાયત તેમજ ધાનપુર તાલુકાની સીમામોઈ અને ભાણપુર ગ્રામ પંચાયતના મળીને કુલ 3 સરપંચોને હોદ્દા પરથી દૂર કરવાનો સત્તાવાર હુકમ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી વર્ષ 2022-2023 દરમિયાન થયેલા કુલ 106 વિકાસકામોની વિસ્તૃત તપાસ બાદ હાથ ધરવામાં આવી છે.

106 કામોની તપાસમાં કયાં ગામો સામે સામેલ?

વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં કુલ ત્રણ ગ્રામ પંચાયતોના 106 જેટલા વિકાસકામોને આવરી લેવામાં આવ્યા હતા.

  • રેઢાણા ગ્રામ પંચાયત – 39 કામો
  • સીમામોઈ ગ્રામ પંચાયત – 48 કામો
  • ભાણપુર ગ્રામ પંચાયત – 19 કામો

તપાસ દરમિયાન મંજૂર થયેલાં કામો અને સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે જમીન-આસમાનનો ફેર જોવા મળ્યો હતો. અનેક જગ્યાએ અધૂરાં કામો, મસ્ટરરોલ અને માપણીમાં ગેરરીતિ તેમજ નાણાકીય વ્યવહારોમાં લોલલોલ હોવાનું સામે આવ્યું હતું.


કાગળ પર વિકાસ કે વાસ્તવિકતા? સંદેશ ન્યૂઝની ગ્રાઉન્ડ રિયાલિટી

પ્રાથમિક તપાસ બાદ 3 સરપંચો સામે કાર્યવાહી તો કરી દેવામાં આવી છે, પરંતુ સવાલ એ થાય છે કે, શું ખરેખર ગામડાંઓમાં વિકાસ થયો હતો કે પછી સરકારી ચોપડે જ વિકાસ બતાવવામાં આવ્યો હતો? આ સવાલનો જવાબ મેળવવા માટે સંદેશ ન્યૂઝની ટીમ સીધી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. ટીમ દ્વારા દેવગઢ બારિયા તાલુકાના રેઢાણા ગ્રામ પંચાયતની મુલાકાત લેવામાં આવી અને મનરેગા હેઠળ થયેલા 39 કામોમાંથી કેટલાક કામોની સ્થળ તપાસ કરવામાં આવી હતી.


રેઢાણા ગામે માટી-મેટલના રોડની વાસ્તવિક હાલત

ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ દરમિયાન વર્ષ 2020-2021 દરમિયાન મંજૂર થઈને બનેલા માટી-મેટલના રોડ સ્થળ પર જોવા મળ્યા હતા. આ મામલે જ્યારે સ્થાનિક ગ્રામજનો સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સાહેબ, રોડ તો બન્યો હતો, પરંતુ આ માટી-મેટલનો રોડ છે જે થોડો પણ વરસાદ પડે એટલે ધોવાઈ જ જાય.


વાસ્તવમાં પણ આ કાચા રોડ વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયા હોવાનું અને કાગળ પર બનેલા આ વિકાસકામોની પોલ ખૂલી ગઈ હોવાનું સામે આવ્યું છે. ગરીબો અને મજૂરોના હકના નાણાં કાગળ પરના વિકાસ પાછળ વેડફાઈ રહ્યા છે ત્યારે આ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી લોકમાગ ઉઠી છે.


આ પણ વાંચો: Dahodના ધાનપુરમાં SOGનું મેગા ઓપરેશન: 3 ખેતરમાંથી ઝડપાયા રૂ. 2 કરોડથી વધુ કિંમતના 378 લીલા ગાંજાના છોડ!