દાહોદ બસ સ્ટેશન પરિસરમાં ચાલી રહેલું આરસીસી ફ્લોરિંગનું કામ અત્યારે ભારે વિવાદના વમળમાં સપડાયું છે. કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહેલી આડેધડ કામગીરીને પગલે સ્થાનિક કાઉન્સિલર ઈસ્તીયાક સૈયદ દ્વારા સ્થળ પર પહોંચીને કામ અટકાવી દેવામાં આવ્યું છે. એસ.ટી. વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રની આવી ઘોર બેદરકારી અને નબળા આયોજન સામે હવે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સ્માર્ટ સિટીની ગટર લાઈન દબાઈ અને કનેક્શનો તૂટ્યા
મુખ્ય વિવાદ એ વાતનો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત બનાવેલી કરોડો રૂપિયાની ભૂગર્ભ ગટર લાઈન અને તેના મુખ્ય ચેમ્બરોને નવા બની રહેલા આરસીસી રોડ નીચે જ દબાવી દેવામાં આવ્યા છે. આટલું જ નહીં, સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા આસપાસના અનેક ગટર કનેક્શનો પણ તોડી નાખવામાં આવ્યા છે. આ લાપરવાહીના કારણે ભવિષ્યમાં ગટર ચોકઅપ થવાની અને સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે તેમ છે.
