દાહોદ શહેરના ધમધમતા પડાવ સર્કલ પાસે આવેલા 'શિવ જ્વેલર્સ' નામના શોરૂમમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. તસ્કરોએ શોરૂમનું સેન્ટ્રલ લોક અને તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી 4 ગ્રામ સોનું તેમજ 1.9 કિલોગ્રામ ચાંદી મળીને કુલ રૂ.4.52 લાખની કિંમતના કિંમતી દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા. શહેરના મુખ્ય વિસ્તારમાં જ ચોરીનો બનાવ બનતાં સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પડાવ સર્કલ પાસે તસ્કરોનો આતંક
આ સમગ્ર ચોરીની ઘટના જ્વેલર્સના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. રાત્રિના સમયે જ્વેલર્સના માલિકે પોતાના મોબાઈલ-ફોનમાં દુકાનના કેમેરાનું લાઈવ ફૂટેજ ચેક કરતાં જ દુકાનના દરવાજા ખુલ્લા હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી તેઓ તાત્કાલિક દુકાને દોડી આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં અજાણ્યા તસ્કરો સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે, જેમાં બે ઈસમો શોરૂમની અંદર ઘૂસીને ચોરી કરી રહ્યા હતા જ્યારે ત્રીજો શખ્સ બહાર ઉભા રહીને ચોકીદારી કરી રહ્યો હતો.
