દાહોદના ઝાલોદમાંથી ‘લુટેરી દુલ્હન’નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક શાતિર ટોળકીએ લગ્નના આતુર એવા એક ભોળા યુવકને પોતાના સપનાની જાળમાં ફસાવીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. યુવકને લગ્ન માટે છોકરી બતાવવાના બહાને વચેટિયાએ સંપર્ક કર્યો હતો. દલાલ મારફતે આ યુવતીને બતાવીને લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા અને રીતસર ફૂલહાર પહેરાવીને ધામધૂમથી યુવક સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. આ લગ્ન કરાવી આપવાના બદલામાં લુટેરી દુલ્હન અને તેના સાગરીતોએ યુવક પાસેથી કુલ રૂ.2.40 લાખની મોટી રકમ પડાવી લીધી હતી.
બે જ દિવસમાં અકસ્માતનું બહાનું કાઢી ફરાર
લગ્નના માત્ર બે જ દિવસમાં દુલ્હને પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. નવવધૂએ અચાનક પોતાના ‘કાકાને અકસ્માત’ થયો હોવાનું મોટું નાટક રચ્યું હતું અને પિયર જવાની જીદ પકડી હતી. પત્નીની વાત પર વિશ્વાસ રાખીને ભોળો પતિ પણ તેની સાથે પિયર જવા નીકળ્યો હતો. બંને મુસાફરી કરીને કુક્ષી બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા. બસ સ્ટેન્ડ પર પહોંચતા જ દુલ્હને પતિને કહ્યું કે, "મારે અહીં જ રોકાવું પડશે" અને તે આયોજનપૂર્વક ત્યાં પહેલેથી જ વાટ જોઈને ઉભેલા એક અજાણ્યા બાઈક ચાલક સાથે બાઈક પર બેસીને જોતજોતામાં રફુચક્કર થઈ ગઈ હતી.
