ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં VIP કલ્ચરને લઈને વિવાદ વકર્યો છે. મંદિરની VIP દર્શન વ્યવસ્થા અને VIP મહેમાનો માટે નવી સુવિધાઓ ઊભી કરવાના આયોજન સામે વૈષ્ણવો અને સેવકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. આ મુદ્દે વૈષ્ણવો અને સેવકોએ મંદિરના ટ્રસ્ટી ગિરીશ દાણીનો ઘેરાવ પણ કર્યો હતો. સામાન્ય ભક્તોની સુવિધા કરતાં VIP મહેમાનોને પ્રાધાન્ય આપવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.

VIP દર્શન માટે કીર્તનિયા જાળીનો કઠેરો કાપવાનો વિરોધ

મંદિરમાં VIP દર્શન વ્યવસ્થા ઊભી કરવા માટે કીર્તનિયા જાળીનો કઠેરો કાપવાની કામગીરી સામે વૈષ્ણવો અને સેવકોએ વિરોધ નોંધાવ્યો છે. ભક્તોનો વિરોધ છે કે VIP દર્શન માટે મંદિરની પરંપરાગત વ્યવસ્થામાં ફેરફાર શા માટે કરવામાં આવી રહ્યો છે?

મંદિરના મુખ્ય દ્વાર પાસે VIP રેસ્ટ રૂમ બનાવવાનો નિર્ણય

મંદિરના મુખ્ય દ્વાર નજીક નવો VIP રેસ્ટ રૂમ બનાવવાના આયોજન સામે પણ વિરોધ ઊઠ્યો છે. VIP મહેમાનો માટે એસી બેઠક વ્યવસ્થા, ટોયલેટ અને બાથરૂમ સહિતની સુવિધાઓ ઊભી કરવાની યોજના હોવાની ચર્ચા છે. આ સુવિધાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવાના આયોજનને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.

સામાન્ય ભક્તોની બેઠક વ્યવસ્થાને બદલે VIP હોલ?

વૈષ્ણવો અને સેવકોનો સવાલ છે કે સામાન્ય ભક્તો માટે વધુ સારી બેઠક અને સુવિધાઓ ઊભી કરવાને બદલે VIP હોલ બનાવવાની જરૂરિયાત શું છે? લાખો ભક્તો જે મંદિરમાં દર્શન માટે આવે છે, ત્યાં સામાન્ય શ્રદ્ધાળુઓની સુવિધાઓને પ્રાથમિકતા મળવી જોઈએ તેવી માગ ઊઠી રહી છે.

ડાકોરમાં 'કર્ણાવતી કલ્ચર' લાવવાનો પ્રયાસ હોવાનો આક્ષેપ

વિરોધ કરી રહેલા વૈષ્ણવો અને સેવકોએ ડાકોર મંદિરમાં 'કર્ણાવતી કલ્ચર' ઠોકી બેસાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. VIP સુવિધાઓના આયોજનને લઈને મંદિરના ટ્રસ્ટીઓ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.

સામાન્ય ભક્તો કે VIP મહેમાનો, કોને મળશે પ્રાથમિકતા?

ડાકોર મંદિરમાં ઊભો થયેલો આ વિવાદ હવે વધુ ચર્ચાસ્પદ બન્યો છે. એક તરફ VIP દર્શન અને વિશેષ સુવિધાઓ ઊભી કરવાનું આયોજન છે, તો બીજી તરફ વૈષ્ણવો સામાન્ય ભક્તોની સુવિધાઓને પ્રાથમિકતા આપવાની માગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે મંદિર ટ્રસ્ટ આ વિરોધ અને રજૂઆતો અંગે શું નિર્ણય લે છે.  


આ પણ વાંચો :    Explainer : અમેરિકાનું આકાશ અચાનક કેમ થંભી ગયું? એક ખામીથી હજારો ફ્લાઇટ્સ ગ્રાઉન્ડેડ, ભારતની હવાઈ વ્યવસ્થા કેટલી સુરક્ષિત?