કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાંથી તહેવારના માહોલ વચ્ચે એક અત્યંત ચોંકાવનારી અને ડામાડોળ કરતી ઘટના સામે આવી છે. દમણના લોકપ્રિય નમોપથ પર મોડી રાત્રે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન ત્યાં પાર્ક કરવામાં આવેલી એક કારમાં અચાનક આગ ફાટી નીકળતા પંથકમાં ભારે ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ હતી.

ફટાકડાના તણખલાથી આગ લાગી, અંદર રાખેલા ફટાકડા ફૂટ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર નમોપથ પર લોકો ફટાકડા ફોડીને ઉત્સવ મનાવી રહ્યા હતા, તે વેળાએ ફટાકડાના તણખલા કે અન્ય કારણોસર ત્યાં ઊભેલી એક કાર આગની લપેટમાં આવી ગઈ હતી. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની ગઈ જ્યારે જોતજોતામાં કારની અંદર મૂકેલા વધારાના ફટાકડા પણ એક પછી એક ફૂટવા લાગ્યા, જેના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કાર ધાણીની જેમ ફૂટવા લાગતા લોકો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા.

દમણ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

ઘટનાની જાણ થતા જ તંત્ર ત્વરિત હરકતમાં આવ્યું હતું. દમણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ કારમાં લાગેલી ભીષણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. તહેવારના આનંદ વચ્ચે બનેલી આ ઘટનાથી લોકોમાં થોડીવાર માટે ગભરાટ ફેલાઈ ગયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો