ડીસા શહેરમાં ફરી એકવાર ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાની ગંભીર ઘટના સામે આવી છે. ડીસાના અત્યંત વ્યસ્ત એવા રેલવે સ્ટેશન ચાર રસ્તા નજીકથી પસાર થતી મુખ્ય ગેસ પાઇપલાઇનમાં અચાનક લીકેજ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ડીસામાં ગેસ લાઇન લીક થતાં ભારે દોડધામ

મળતી વિગતો મુજબ, સ્થળ પર ચાલી રહેલી કોઈ કામગીરી દરમિયાન ખોદકામ કરતી વખતે જેસીબી કે અય સાધનો વાગવાથી ગેસની મુખ્ય પાઇપલાઇન ક્ષતિગ્રસ્ત થઈ હતી. પાઇપલાઇન તૂટતાં જ તેમાંથી હાઇ પ્રેશર સાથે ગેસ ફુવારાની જેમ હવામાં ઊડવા લાગ્યો હતો.જે સ્થળે ગેસ લીકેજ થયો છે તે ડીસાનો મુખ્ય અને સતત વાહનવ્યવહારથી ધમધમતો વિસ્તાર છે. જાહેર માર્ગની બિલકુલ નજીક જ પ્રેશર સાથે ગેસ લીક થઈને વાતાવરણમાં ફેલાઈ રહ્યો હોવાથી કોઈ મોટી આગ કે દુર્ઘટના સર્જાય તેવી ભીતિથી સ્થાનિક રહીશો, વેપારીઓ અને વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

ફુવારાની જેમ હવામાં ગેસ ફેલાતાં દુર્ઘટનાની ભીતિ

ડીસામાં ખોદકામ દરમિયાન ગેસ લાઇન લીક થવાની ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે, જેથી તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.ગેસ લીકેજ થતાં જ આસપાસના લોકોને તણખા કે આગની જ્વાળા ઉત્પન્ન થાય તેવા સાધનોથી દૂર રહેવા જણાવાયું છે.બનાવ અંગે સ્થાનિક પોલીસ તેમજ ગેસ વિતરણ કંપનીના ઇમરજન્સી વિભાગને જાણ કરવામાં આવતાં ટેકનિકલ ટીમ લાઇનનો પુરવઠો બંધ કરી સમારકામ કરવા સ્થળ પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: Ahmedabad News: ઘી કાંટા મેટ્રો કોર્ટને મળી બોમ્બની ધમકી