અમરેલી જિલ્લાના ધારી શહેરમાંથી એક ચોંકાવનારી અને ટ્રાફિકને અડચણરૂપ બનતી ઘટના સામે આવી છે. ધારીના મુખ્ય મેઇન રોડ પર અચાનક જ બે આખલાઓ વચ્ચે ઉગ્ર યુદ્ધ જામ્યું હતું. એક તરફ આકાશમાં વરસાદના હળવા છાંટા પડી રહ્યા હતા અને બીજી તરફ રોડ વચ્ચે બે શક્તિશાળી પશુઓ એકબીજા સાથે ભીડાતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. આખલાઓના આ ખૂંખાર જંગને કારણે રસ્તા પર આવન-જાવન કરતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
દિવાળીની ખરીદી ટાણે ગ્રાહકો અને વેપારીઓમાં દહેશત
હાલમાં દિવાળીના તહેવારની મોસમ ચાલી રહી છે, જેના કારણે બજારોમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. તહેવારના આ વ્યસ્ત માહોલમાં જ બજાર વચ્ચે આખલા યુદ્ધ થવાથી ખરીદી કરવા આવેલા લોકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. ધારીના મુખ્ય બજારમાં બેકાબૂ બનેલા પશુઓના આતંકના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને દુકાનદારો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા.
