ધોળકા તાલુકામાં કલિકુંડ વિસ્તારમાંથી પસાર થતાં ધોળકા-સરોડા રોડ પર આવેલા શ્રી હરિ સોસાયટી નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મૂળ કેલીયા વાસણા ગામના અને હાલ ધોળકાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં નિવૃત્ત જીવન ગાળતા ૫૨ વર્ષીય ભરતભાઈ ઈશ્વરભાઈ સોલંકી પોતાનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી એક એસ.ટી. બસ સાથે એક્ટિવાની ભયાનક અથડામણ થઈ હતી.
એસ.ટી. બસ સાથે એક્ટિવાની ભયાનક અથડામણ
આ અકસ્માતમાં ભરતભાઈ રોડ પર પટકાતાં તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતાં જ આસપાસના લોકો તાબડતોબ મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ભરતભાઈને તુરંત ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની તબિયત ગંભીર જણાતાં વધુ અને ગહન સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
અધૂરા રોડ અને ગટરના કામને લીધે અકસ્માત
આ અકસ્માતના દ્રશ્યો નજીકમાં આવેલી શ્રી હરિ સોસાયટીના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજ હાલ સ્થાનિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. બીજી તરફ સ્થાનિક પોલીસે પણ અકસ્માત અંગે કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ધોળકા-સરોડા રોડની એક સાઇડ પર છેલ્લા ઘણા સમયથી ગટર લાઇન તથા રોડનું કામકાજ ચાલી રહ્યું છે. જેના કારણે રસ્તાનો એક જ ભાગ (વન-વે) વાહનવ્યવહાર માટે ચાલુ રાખવામાં આવ્યો છે.
52 વર્ષીય અધેડ અમદાવાદ હોસ્પિટલ રીફર
એક જ માર્ગ પર બંને તરફથી વાહનો આવતાં-જતાં હોવાથી દરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.રોડનું કામ ચાલી રહ્યું હોવા છતાં તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતા પ્રમાણમાં સાઇન બોર્ડ કે બેરિકેડિંગ મૂકવામાં આવ્યા નથી. સ્થાનિકોએ અકસ્માતો અટકાવવા યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા, ડાયવર્ઝન બોર્ડ અને બેરિકેડિંગ તાત્કાલિક મૂકવાની માંગ કરી છે.
આ પણ વાંચો: Rajkot: નવાગામ પાસે બંધ ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસતા કારનો બુકડો બોલ્યો; ટાયર નીકળીને દૂર પડ્યું