અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા ભેટવાડા ગામે ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણી ભરાઈ જતાં સંપર્ક વિહોણી સ્થિતિ સર્જાઈ હતી. આ જળબંબાકાર વચ્ચે ગામના ૨૪ વર્ષીય સગર્ભા મહિલા હેતલબેન મકવાણાને અચાનક ઉપડેલી તીવ્ર પ્રસવ પીડાના કારણે પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા. રાત્રિના સમયે પરિસ્થિતિ કટોકટીપૂર્ણ બનતાં પરિવારે તુરંત 108 ઈમરજન્સી સેવા તેમજ સ્થાનિક વહીવટી તંત્રનો સંપર્ક કર્યો હતો.

પાણી ભરાતાં એમ્બ્યુલન્સ અટકાઈ, NDRFએ 2 બોટ સાથે મોરચો સંભાળ્યો

ગામમાં પાણી ભરાયેલા હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ સીધી રીતે દર્દીના ઘર સુધી પહોંચી શકે તેમ નહોતી. ઘટનાની ગંભીરતા સમજી ધોળકા મામલતદાર ટીમ, 108ની ટીમ અને NDRFની ટુકડી ત્વરિત હરકતમાં આવી હતી. NDRFના જવાનો 2 બોટ લઈને જોખમી પરિસ્થિતિ વચ્ચે ગામના ઊંડા પાણીમાં ઉતર્યા હતા. તેમણે અત્યંત કાળજીપૂર્વક હેતલબેનને બોટમાં બેસાડીને સલામત રીતે પૂરના પાણીમાંથી બહાર કાઢી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા.

તંત્ર અને ઈમરજન્સી ટીમોની માનવતાભરી કામગીરી બિરદાવાઈ

108ની ટીમ દ્વારા પ્રાથમિક કાળજી સાથે ગર્ભવતી મહિલાને વધુ સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાત્રિના ઘનઘોર અંધારા અને પૂરમાં NDRF, મામલતદાર અને 108 ટીમની સતર્કતા, ઝડપી કાર્યવાહી તથા માનવતાભર્યા પ્રયાસોના કારણે મહિલાનો જીવ બચી શક્યો હતો. તંત્રના આ પ્રશંસનીય અને સરાહનીય કાર્યને સ્થાનિક ગ્રામજનોએ ભારે બિરદાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો