દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં આવેલા રામેશ્વર પ્લોટ વિસ્તારમાં સરેઆમ હત્યાની સસનીખેજ ઘટના સામે આવી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ ઘટના ભાણવડ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે જ બની હતી. વાહન સાઇડ કરવા જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આ સામાન્ય વિવાદમાં ઉશ્કેરાયેલા હુમલાખોરે 21 વર્ષીય વિજય રાજુભાઈ પરમાર પર તીક્ષ્ણ છરી વડે અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

યુવાનને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો

છરીના ઊંડા ઘા વાગવાના કારણે લોહીલુહાણ થયેલા વિજય પરમારને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને મૃતકના ડેડબોડીને વધુ તપાસ અને ફોરેન્સિક પોસ્માર્ટમ (PM) અર્થે જામનગર ખાતે ખસેડવામાં આવી છે. નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન જ પોલીસ સ્ટેશન નજીક બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

Dwarka: Young man murdered in Rameshwar plot of Bhanvad

મૃતદેહ પીએમ અર્થે જામનગર ખસેડાયો

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ હત્યામાં સંડોવાયેલા આરોપીઓ કસ્ટડીમાં છે કે ફરાર, તે અંગે પોલીસ તંત્ર દ્વારા સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવીને સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવાની કવાયત શરૂ કરી છે. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ હત્યા પાછળનું ચોક્કસ કારણ અને વધુ વિગતો સપાટી પર આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો