સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા સ્થિત જગત મંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત 27 ઓક્ટોબર, 2026ના રોજ યોજાયેલી મંદિર વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં મંદિર પરિસરની વ્યવસ્થા અને ધાર્મિક પરંપરાઓ જળવાઈ રહે તે હેતુસર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

દ્વારકા મંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે નવા નિયમો

મંદિર સમિતિ દ્વારા નક્કી કરાયેલા નવા નિયમો અનુસાર, હવે દ્વારકાધીશ મંદિર પરિસરમાં કોઈ પણ પ્રકારના ફોટો પાડવા કે વીડિયો ઉતારવા માટે વ્યવસ્થાપકની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત, ભક્તો દ્વારા મંદિરમાં કરવામાં આવતા ભોગ-મનોરથ અને ધ્વજાજીના ઉત્સવની ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી માટે ₹2,500ની ફી નક્કી કરવામાં આવી છે.

વ્યક્તિ પોતાની રીતે ફોટો કે વીડિયો ઉતારી શકશે નહીં

નવી વ્યવસ્થા મુજબ, હવે બહારના કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે ફોટો કે વીડિયો ઉતારી શકશે નહીં, પરંતુ સંસ્થા દ્વારા નિયુક્ત અધિકૃત ફોટોગ્રાફર મારફતે જ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે શ્રદ્ધાળુઓએ સમિતિ દ્વારા નિર્ધારિત કરાયેલી શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

વાયરલ વીડિયો વિવાદ બાદ મંદિર પ્રશાસને લીધો મહત્વનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે અગાઉ જાણીતા કથાકાર મોરારી બાપુ અને લોકગાયક કીર્તિદાન ગઢવીનો મંદિરની અંદરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના નિયમોને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. આ વિવાદ બાદ સમગ્ર મામલો શાંત પાડવા અને ભવિષ્યમાં કોઈ વિસંગતતા ન સર્જાય તે માટે મંદિર પ્રશાસન દ્વારા આ નિયમો ઘડવામાં આવ્યા હોવાની ચર્ચા છે, જેનાથી હવે નિયત ફી ચૂકવીને અધિકૃત રીતે ફોટો-વીડિયો લઈ શકાશે.

આ પણ વાંચો: Ahmedabad: રામોલની 15 વર્ષીય સગીરા સાથે રાજસ્થાનમાં દુષ્કર્મ; આશ્રયના બહાને બિકાનેર લઈ જઈ 7 દિવસ ઘરમાં ગોંધી રાખી