રોશની અને ઉત્સાહના પર્વ દિવાળીના દિવસે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાંથી એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓ અને તંત્રની ઉદાસીનતા સામે દિવાળીના પવિત્ર દિવસે જ નગરપાલિકાના પટાંગણમાં હોળી પ્રગટાવીને અનોખો અને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તહેવારના ટાણે જ સફાઈ કામદારો રસ્તા પર ઉતરી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
19 દિવસથી પ્રતીક અને આમરણાંત ઉપવાસ ચાલુ, બોનસ કે એડવાન્સ ન મળ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારો તેમની વિવિધ પડતર માંગણીઓ અને હકો માટે છેલ્લા 19 દિવસથી સતત પ્રતીક ઉપવાસ અને આમરણાંત ઉપવાસ પર બેઠા છે. દિવાળી જેવા મુખ્ય તહેવાર પર પણ સરકાર કે નગરપાલિકા દ્વારા કર્મચારીઓને બોનસ કે ફેસ્ટિવલ એડવાન્સ નહીં ચૂકવવામાં આવતા કામદારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આર્થિક સંકડામણ અને લાચારીના કારણે આ પરિવારો અંધકારમય માહોલમાં તહેવાર મનાવવા મજબૂર બન્યા છે.
