દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાં લૂંટના ઇરાદે થયેલી યુવાનની હત્યાના ગુનામાં પોલીસ તપાસ અત્યંત મહત્વના તબક્કે પહોંચી છે. બે દિવસ પહેલાં આસીફ લાખા નામના યુવકની લૂંટના ઇરાદે કરવામાં આવેલી હત્યાની ચકચારી ઘટના સામે આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો હતો. આજે પોલીસની એક વિશેષ ટીમ દ્વારા ઝડપાયેલા આરોપીને સાથે રાખીને વીરમદળ ગામ નજીકના કાચા રસ્તા પર, જ્યાં હત્યાને અંજામ અપાયો હતો, ત્યાં સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અને કાયદેસરનું પંચનામું કરવામાં આવ્યું હતું.
આરોપીએ સમગ્ર ઘટનાક્રમની વિગતો વર્ણવી
રી-કન્સ્ટ્રક્શનની આ પ્રક્રિયા દરમિયાન આરોપીએ આસીફ લાખાને કેવી રીતે રોક્યો, કઈ રીતે લૂંટનો પ્રયાસ કર્યો અને કઈ પરિસ્થિતિમાં તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી, તે આખા ઘટનાક્રમની વિગતવાર માહિતી પોલીસ સમક્ષ પ્રત્યક્ષ કરીને બતાવી હતી. તપાસ અધિકારીઓએ આ ગંભીર ગુનાના મૂળ સુધી પહોંચવા માટે ઘટનાસ્થળ પરથી મહત્વના વૈજ્ઞાનિક અને ભૌતિક પુરાવાઓ એકત્ર કર્યા છે. આ સાથે જ આરોપીની કબૂલાત અને ઘટનાની વાસ્તવિક હકીકતોની ઝીણવટભરી ચકાસણી પણ કરવામાં આવી છે, જેથી કોર્ટમાં કેસને વધુ મજબૂત બનાવી શકાય.
