આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં દુષ્કાળની સ્થિતિ છે. હાલ ખેડૂતોના ખાતામાં નાણાં નથી; ન તો મોસમ આવી છે કે ન તો શિયાળુ પિયત થવાનું છે, છતાં ચારે બાજુથી ઉઘરાણીવાળાના ફોન આવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકારે આપેલું લોલીપોપ હજુ ખાતામાં જમા નથી થયું અને તે પાછું લઈ લેવાનું ભાજપ સરકારે નક્કી કર્યું છે.
મફત વીજળીનો મુદ્દો અને નેતાઓનું મૌન
દેવભૂમિ દ્વારકાથી મળેલા ફોનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે પોલીસને થાંભલામાં કામે લગાડીને ખેડૂતો પર PGVCL ની રેડો કરાવાય છે. ખેતરમાં પાણી કે સિંચાઈની વ્યવસ્થા ન હોવા છતાં ઘર કે વાડીના બિલ પર લાખ-દોઢ લાખનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ઇસુદાન ગઢવીએ 2022ની ચૂંટણી યાદ કરાવતાં કહ્યું કે જો 'આપ' ની સરકાર બની હોત તો ખેડૂતોને વીજળી મફત હોત અને બે મહિનામાં 600 યુનિટ વીજળી મળત, જે પંજાબમાં ખેડૂતો અને 90% નાગરિકોને મળી રહી છે.
