દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા શહેરમાંથી સરકારી તંત્રની ઘોર બેદરકારી અને અણઘડ વહીવટનો એક અત્યંત વિચિત્ર અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં વિકાસના નામે લાખો રૂપિયાના ખર્ચે નવા રસ્તાઓ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ તંત્રના એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોની બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય તેમ, રસ્તાની વચ્ચે નડતરરૂપ બનતા જીવંત ઘટાદાર વૃક્ષો અને વીજળીના થાંભલાઓ (વીજપોલ) હટાવ્યા વગર જ તેની આસપાસ આખો સિમેન્ટ રોડ બનાવી દેવામાં આવ્યો છે.

ટાઉનહોલથી દ્વારકા નાકા સુધીનો નવો રોડ ચર્ચાના ચકડોળે

શહેરના ટાઉનહોલ તરફથી પ્રખ્યાત દ્વારકા નાકા તરફ જતો આ નવો બની રહેલો સિમેન્ટ રોડ હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને આશ્ચર્યનો વિષય બન્યો છે. માર્ગની બિલકુલ વચ્ચે જ મોટા વૃક્ષો અને લોખંડના વીજપોલ ઊભા હોવા છતાં, કોઈ પણ પ્રકારના આગોતરા આયોજન વગર રોડનું નિર્માણ પૂરું કરી દેવાયું છે. આ વિચિત્ર નજારો જોઈને સ્થાનિક રહીશોમાં તંત્રની કામગીરી ભારે હાસ્યાસ્પદ બની છે અને લોકો સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા કરી રહ્યા છે.

રાત્રિના સમયે અકસ્માતનો ભય, લોકોમાં ભારે નારાજગી

લાખો રૂપિયાના અણઘડ ખર્ચાઓને કારણે સ્થાનિક જનતામાં શાસકો અને અધિકારીઓ સામે ભારે નારાજગી અને આક્રોશ વ્યાપ્યો છે. વાહનચાલકો માટે આ રસ્તો મોતના કૂવા સમાન સાબિત થઈ રહ્યો છે, કારણ કે રાત્રિના અંધકારમાં આ રસ્તા પરથી પસાર થતી વખતે કોઈ પણ મોટો અકસ્માત સર્જાઈ શકે છે. સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ નિર્દોષ વાહનચાલક અથડાશે અને જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ? લોકોએ આ નડતરરૂપ થાંભલા અને વૃક્ષો તાત્કાલિક હટાવવાની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો