દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાંથી રખડતા શ્વાનના આતંકની એક અત્યંત કમકમાટીભરી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભાણવડના ખરાવડ વિસ્તારમાં એક વર્ષની એક માસૂમ બાળકી ઘર આંગણે રમી રહી હતી, ત્યારે એકાએક એક હડકાયા રખડતા શ્વાને તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હિંસક શ્વાને માસૂમ બાળકીને પકડીને શરીરના ભાગે આડેધડ ભયાનક બચકાં ભરવાનું શરૂ કરી દીધું હતું, જેને કારણે માસૂમ બાળકી લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી.
શ્રમિક પરિવારની બાળકીને સારવાર માટે ખંભાળિયા ખસેડાઈ
આ ગોઝારી ઘટનાનો ભોગ બનનાર માસૂમ બાળકી અહીં મજૂરી કામ અર્થે આવેલા એક ગરીબ પરપ્રાંતીય શ્રમિક પરિવારની હોવાનું બહાર આવ્યું છે. હુમલાના પગલે બાળકીની ચીસાચીસ સાંભળી પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેને લોહીલુહાણ હાલતમાં ભાણવડની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જો કે, બાળકીની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સઘન સારવાર અર્થે તાકીદે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.
