જામ ખંભાળીયામાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL)ની ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી સામે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ખેડૂતોની લેખિત મંજૂરી કે યોગ્ય સંમતિ લીધા વગર જ તંત્ર અને કંપની દ્વારા ખેતરોમાં જેસીબી ચલાવી દેવાતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. પોતાના અસ્તિત્વ અને જમીનને બચાવવા માટે ખેડૂતોએ છેલ્લા 5 દિવસથી ખેતરોમાં જ છાવણી નાખીને અવિરત પ્રદર્શન શરૂ કર્યું છે.
બાળકો પણ આવ્યા ખેડૂતોના સમર્થનમાં
આ આંદોલનની ગંભીરતા એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે હવે ખેડૂતોની સાથે તેમના પરિવારના માસૂમ બાળકો પણ મેદાને આવ્યા છે. પોતાના માતા-પિતા અને ભવિષ્યની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ વચ્ચે બાળકો પણ ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શનમાં જોડાયા છે. બાળકોએ પોતાના હાથમાં બેનરો પકડીને "અમને આંદોલન કરવા મજબૂર ન કરો" તેવા આકરા અને લાગણીસભર નારા લગાવી તંત્ર પાસે ન્યાયની માંગ કરી છે.
