ડાંગના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા અને આસપાસના સીમાડા વિસ્તારમાં ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે વહેલી સવારે 5:33 કલાકે વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.9 ની નોંધાઈ હતી. વહેલી સવારે જમીન ધ્રુજી ઊઠતાં નિંદ્રાધીન લોકો ફફડી ઊઠ્યા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા.

કેન્દ્રબિંદુ સાપુતારાથી 14 કિમી દૂર મહારાષ્ટ્રની સરહદમાં

સિઝમોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આજે સવારે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ સાપુતારાથી આશરે 14 કિલોમીટર દૂર મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાં નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાત્રે પણ આ વિસ્તારમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. આમ, ચોવીસ કલાકની અંદર સતત બીજા દિવસે ધરા ધ્રૂજવાની ઘટના બની છે.

સતત આવતા આંચકાથી સ્થાનિક રહીશોમાં ભય

સાપુતારા અને ડાંગના સરહદી ગામડાઓમાં સતત બે દિવસથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા હોવાથી સ્થાનિક રહીશો, વેપારીઓ અને પ્રવાસીઓમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. વારંવાર ભૂકંપની હલચલ થતાં લોકોમાં ભૂકંપના મોટા આંચકાની દહેશત જોવા મળી રહી છે. જોકે, આ આંચકાથી અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો