વડોદરાના ડેસર પોલીસ મથકની હદમાં આવતા ધરમપુર ગામમાં રાત્રે અંદાજે 2 વાગ્યાના સુમારે ખેતરના રસ્તેથી ઘૂસેલા ચાર જેટલા ચોરોએ બે મકાનોને નિશાન બનાવ્યા હતા. સૌથી પહેલા ચોરોએ અરવિંદભાઈ છોટાભાઈ પટેલના મકાનની પાછળની તારની વાડ કાપીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. જોકે, આ મકાન છેલ્લા દસ દિવસથી બંધ હોવાથી ચોરોના હાથમાં કોઈ મોટી મત્તા લાગી ન હતી. ત્યારબાદ ચોરોએ અરવિંદભાઈ જેઠાભાઈ અમીનના મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં રહેતા ભાડૂતના ઘરમાં પણ કોઈ રોકડ રકમ ન હોવાથી ચોરોને ખાલી હાથે જ પરત ફરવાનો વારો આવ્યો હતો.
એક મહિના અગાઉ પણ થઈ હતી લાખોની ચોરી
મધરાતે ગામમાં ચોરીના ઈરાદે ઘૂસેલા આ ચાર શંકાસ્પદ ચોરોની ગતિવિધિઓ વિસ્તારના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ હાલ સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધરમપુર ગામમાં ચોરીની આ કોઈ પ્રથમ ઘટના નથી. આશરે એક માસ અગાઉ પણ આ જ ગામમાં રહેતા જયેશભાઈ જયંતીભાઈ પટેલના મકાનમાં તસ્કરોએ મોટો હાથફેરો કર્યો હતો. તે સમયે ચોરોએ ઘરની તિજોરી, કબાટ અને ફ્રીજ સહિતનો તમામ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને રૂપિયા 1.75 લાખથી વધુની કિંમતની ચોરી કરી આસાનીથી ફરાર થઈ ગયા હતા.
