યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન પર વધારાના ચાર્જ વસૂલવાના નિર્ણય સામે વેપારી આલમમાં ભારે રોષ વ્યાપી ગયો છે. કચ્છના ગાંધીધામ સ્થિત 'ભારત નગર વેપારી સંગઠન' દ્વારા ગુજરાત વેપારી સંગઠનને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. વધારાના ચાર્જ સત્તવરે નાબૂદ કરવામાં આવે તેવી માગ સાથે વેપારીઓએ ગાંધીધામમાં વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે.

2 ઓક્ટોબરે બંધ રહેશે UPI અને ઓનલાઇન પેમેન્ટ 

ગાંધીધામ ભારત નગર વેપારી સંગઠનમાં 350થી વધુ વેપારીઓ જોડાયેલા છે. સંગઠને જાહેરાત કરી છે કે, UPI પર વસૂલવામાં આવતા ચાર્જના વિરોધમાં આગામી 2 ઓક્ટોબરના રોજ તમામ વેપારીઓ એક દિવસ માટે UPI અને ઓનલાઇન ચુકવણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. આ દિવસે તમામ વેપારીઓ ગ્રાહકો પાસેથી માત્ર કેશ (રોકડ) વ્યવહાર જ સ્વીકારશે.

નિર્ણય પાછો નહીં ખેંચાય તો બહિષ્કારની ચીમકી

વેપારી મંડળોનું કહેવું છે કે, નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ માટે વધારાનો ચાર્જ સહન કરવો મુશ્કેલ છે, જેનાથી વેપાર-ધંધા પર માઠી અસર પડી રહી છે. વેપારી નેતાઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકારી કે બેંકિંગ તંત્ર દ્વારા UPI પરના વધારાના ચાર્જનો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમનો સંપૂર્ણ અને અનિશ્ચિત મુદત માટે બહિષ્કાર કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો