ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ખાત્રજ વિસ્તારમાં આવેલી જાણીતી અરવિંદ મીલમાંથી એક અત્યંત દૂખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અરવિંદ મીલની ગટર સાફ કરવા માટે અંદર ઉતરેલા 54 વર્ષીય સફાઈ કામદાર શૈલેષભાઈ સોમાભાઈનું અચાનક કરંટ લાગવાના કારણે મોત નિપજ્યું છે. આ અકસ્માતને પગલે સમગ્ર ફેક્ટરી પરિસરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ તેમજ તંત્રને કરવામાં આવી હતી.

કંપની અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો આક્ષેપ

ઘટના બાદ મૃતક શૈલેષભાઈના દેહને પોસ્ટ મોર્ટમ અર્થે કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ અન્ય સફાઈ કામદારો, પરિવારજનો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં કલોલ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારજનોએ કોન્ટ્રાક્ટર અને કંપની પ્રશાસન પર સુરક્ષાના સાધનો ન આપવાનો અને ઘોર બેદરકારી દાખવવાનો ગંભીર આક્ષેપ કરીને હોસ્પિટલ પરિસરમાં જ ભારે હોબાળો મચાવ્યો હતો.

Gandhinagar News: Kalol: Sanitation Worker Electrocuted in Arvind Mill, Family Protests

ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર

મૃતક શૈલેષભાઈ પોતાના પાછળ ત્રણ પુત્રીઓ અને એક પુત્ર મૂકી ગયા છે. ઘરના મોભીના અકાળે અવસાનથી માસૂમ બાળકો અને પત્ની પર જાણે આભ તૂટી પડ્યું છે. કલોલ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોના હૈયાફાટ રુદનથી અત્યંત હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

Gandhinagar News: Kalol: Sanitation Worker Electrocuted in Arvind Mill, Family Protests

આક્રોશિત પરિવારજનોએ સ્પષ્ટ ચિમકી આપી છે કે, જ્યાં સુધી કંપની અને કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે અને પરિવારને ન્યાય તેમજ વળતર નહીં મળે, ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.


આ પણ વાંચો - Gandhinagar: સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી’નું ભવ્ય લોન્ચિંગ