ગુજરાતના બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપતા રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજથી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો રસીકરણ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે નવજાત અને નાના બાળકોને પોલિયો વેક્સિનના ડ્રોપ્સ પીવડાવીને આ અભિયાનમાં લોકભાગીદારી વધારવા અપીલ કરી હતી. વર્ષ 2007થી ગુજરાતમાં પોલિયોનો એક પણ કેસ આવ્યો નથી, જે ટ્રેક રેકોર્ડ જાળવી રાખવા માટે સરકાર આ વખતે વધુ આક્રમક રીતે કામ કરી રહી છે.
82 લાખ બાળકોને સુરક્ષા કવચ આપવાનું આયોજન
આગામી ત્રણ દિવસ સુધી ચાલનારા આ સઘન રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં થઈને કુલ ૮૨ લાખથી વધુ બાળકોને આવરી લેવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, ટ્રાન્ઝિટ પોઈન્ટ્સ જેવા કે એસ.ટી. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ અને હાઈવે ટોલ નાકા પર પણ સ્પેશિયલ પોલિયો બૂથ બનાવવામાં આવ્યા છે, જેથી મુસાફરી કરી રહેલા પરિવારોના બાળકો પણ રસીથી વંચિત ન રહી જાય. આ ઉપરાંત અગરિયાઓ, ભટ્ટા મજૂરોના બાળકો અને વિચરતી જાતિના પરિવારો માટે મોબાઈલ ટીમ તૈનાત કરાઈ છે.










