ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આવેલી પાંજરાપોળ પાસેની આનંદપાર્ક સોસાયટીમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આ સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી નળ વાટે પીવાના પાણીની જગ્યાએ ગટરનું દૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. જેના કારણે અહીં વસવાટ કરતા 150 થી વધુ પરિવારો અત્યંત મુશ્કેલીમાં મુકાયા છે અને નર્કાગાર જેવી સ્થિતિમાં જીવન જીવવા મજબૂર બન્યા છે.
ઘરે-ઘરે ઝાડા-ઉલટીના કેસ અને રોગચાળાનું જોખમ
દૂષિત પાણીના વપરાશને કારણે સોસાયટીના ઘરે-ઘરે લોકો ઝાડા-ઉલટી જેવા રોગોનો શિકાર બની રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, પીવાના પાણીની લાઈન સીધી ગટરના પાણી ભરેલા ખાડામાંથી પસાર થતી હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે, તો વિસ્તારમાં કોલેરા કે ટાઈફોઈડ જેવો ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પૂરી શક્યતા છે.

તંત્રની ઉદાસીનતા, તાલુકા અને જિલ્લા સ્વાગતમાં રજૂઆત છતાં પરિણામ શૂન્ય
સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ ગંભીર સમસ્યા અંગે નગરપાલિકામાં ઓનલાઈન ફરિયાદો કરવા ઉપરાંત તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. છતાં તંત્રના આંખ આડા કાન કરવાની નીતિના કારણે પરિણામ સાવ શૂન્ય રહ્યું છે. સ્થાનિક નેતાઓ પણ મુશ્કેલીના સમયે ડોકિયું કરવા નથી આવતા, જેના કારણે લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.

શું તંત્ર મહામારીની રાહ જોઈ રહ્યું છે?
વારંવારની રજૂઆતો બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકો લાલઘૂમ થયા છે. જનતા સવાલ કરી રહી છે કે, શું સરકાર અને તંત્ર કોઈ મોટી મહામારી ફાટી નીકળે તેની રાહ જોઈને બેઠા છે? શુદ્ધ પાણી મેળવવા માટે લોકો વલખા મારી રહ્યા છે, ત્યારે વહેલી તકે પાલિકા દ્વારા આ લાઈનોની મરામત કરવામાં આવે તેવી ઉગ્ર માગ ઉઠી છે.

આ પણ વાંચો: Gandhinagar News: DGPના જનસંપર્ક કાર્યાલયમાં 8 મહિનામાં 310 રજૂઆતો, 28 ગંભીર બાબતોમાં તાત્કાલિક FIR