ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હાજીપુર ગામે એક હૃદયકંપાવનારો અને ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. હાજીપુર ગામે રહેતા પરેશ બાબુભાઈ દંતાણી નામના યુવકને ગામના જ વિશાલ રાજુભાઈ દંતાણીની બહેન સાથે પ્રેમસંબંધ હતો. વિશાલે પરેશને પોતાની બહેન સાથે વાતચીત ન કરવા કડક ચેતવણી આપી હોવા છતાં પરેશ સંપર્કમાં રહ્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને વિશાલે પોતાના મિત્ર સાથે મળીને પરેશને મોતને ઘાટ ઉતારવાનું ભયાનક કાવતરું રચ્યું હતું.
ખેતરમાં લઈ ગયા, ગરદન અને કમરે છરીના ઘા ઝીંક્યા
કાવતરા મુજબ વિશાલ અને તેનો મિત્ર પરેશને એક્ટિવા પર બેસાડીને ગામ નજીક આવેલા એક અવાવરું ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં વિશાલના મિત્રએ પરેશને ગરદનથી મજબૂતીથી પકડી રાખ્યો હતો, જ્યારે વિશાલે કમરના પાછળના ભાગે છરાના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ પરેશને નજીકના કૂવામાં ફેંકવા લઈ જતી વખતે તેના શ્વાસ ચાલતા હોવાનું જણાતાં વિશાલે ફરીથી ગરદન પર છરી મારી તેનું સ્થળ પર જ કરુણ મોત નિપજાવ્યું હતું અને મૃતદેહ કૂવામાં ફેંકી ફરાર થઈ ગયા હતા.

