ગાંધીનગરના શહેરી વિસ્તારમાં ઝરખની અવરજવર જોવા મળતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ સેક્ટર-5માં છેલ્લા 3થી 4 દિવસથી ઝરખના આંટાફેરા નોંધાયા છે. પાટનગરના રહેણાંક અને હરિયાળા વિસ્તાર નજીક વન્યપ્રાણીની સતત હિલચાલ જોવા મળતા આસપાસના નાગરિકો ચિંતિત બન્યા છે. ખાસ કરીને વહેલી સવાર અને સાંજના સમયે બહાર નીકળતા લોકો અને રાહદારીઓમાં સાવચેતી અને ભયની લાગણી જોવા મળી રહી છે.
ત્રણ નીલગાયનું મારણ કર્યાનો સ્થાનિકોનો દાવો
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ઝરખે આશરે ત્રણ જેટલી નીલગાયનું મારણ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શહેરી સીમાડા અને આસપાસના વિસ્તારોમાં નીલગાયના મારણની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. સતત દેખાઈ રહેલા ઝરખને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને પાલતુ પ્રાણીઓ તેમજ નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તેવી ચિંતા રહીશો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
