ગીર સોમનાથ જિલ્લા પંચાયતના DDO (જિલ્લા વિકાસ અધિકારી) સ્નેહલ ભાપકર ફરી એકવાર પોતાના વિવાદિત નિર્ણયો અને આકરા વલણને કારણે ચર્ચાની એરણે ચડ્યા છે. DDO સ્નેહલ ભાપકરે ગત 1 ઓગસ્ટના રોજ પોતાની સત્તા મર્યાદા બહાર જઈને જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર જ્યંત સીતાપરાનો ચાર્જ બદલવા અંગેનો એક આદેશ જારી કર્યો હતો.
DDOનો વિવાદિત આદેશ ગાંધીનગરે આખરે કર્યો રદ
નિયમ મુજબ રાજ્ય સરકાર અને વિભાગીય સત્તામંડળ હસ્તક આવતી આવી મહત્વની જગ્યાઓના ચાર્જ બદલવા કે સોંપવાની સત્તા DDO પાસે હોતી નથી છતાં સ્નેહલ ભાપકરે આ નિર્ણય લેતાં વહીવટી વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું હતું.DDO ના આ વહીવટી રીતે અયોગ્ય અને સત્તા મર્યાદા બહારના આદેશ સામે ગાંધીનગર સુધી રજૂઆતો થઈ હતી. ગાંધીનગર પંચાયત વિભાગે સમગ્ર બાબતની ગંભીર નોંધ લેતાં તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ પંચાયત વિભાગના ઉપસચિવે DDO નો 1 ઓગસ્ટનો આદેશ વહીવટી નિયમો વિરુદ્ધનો ઠેરવીને તેને તાત્કાલિક અસરથી રદ કરી દીધો હતો.
