ગીર સોમનાથ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આર્થિક ફસામણ કરતા સાયબર ઠગ સામે ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસે મોટી સફળતા મેળવી છે. તાલાલાના ઘૂસિયા ગામના રોનક સોલંકી નામના શખ્સે ઇન્સ્ટાગ્રામ પર 'priyanshi_ptl_006' નામથી ફેક આઈડી બનાવ્યું હતું. આ આઈડીથી તે યુવતી હોવાનું જણાવીને એક યુવક સાથે પ્રેમસંબંધ કેળવ્યો હતો અને વિશ્વાસમાં લીધા બાદ પોતાની બીમારી, હોસ્પિટલમાં સારવાર, અકસ્માત અને ઓપરેશન જેવા વિવિધ બહાના બનાવીને અલગ-અલગ મોબાઇલ નંબરો પરથી કુલ રૂ.6,38,000ની તોતિંગ રકમ પડાવી લીધી હતી.
પોલીસે તાલાલાના રોનક સોલંકીને દબોચ્યો
યુવક સાથે થયેલી આ ગંભીર છેતરપિંડી અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ, સોશિયલ મીડિયા ડેટા અને શંકાસ્પદ બેંક ખાતાઓની વિગતોનું ઊંડાણપૂર્વક પૃથ્થકરણ કરીને ગુનાના મૂળ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસે આ ગુનાના મુખ્ય આરોપી એવા તાલાલાના ઘૂસિયા ગામના રોનક સોલંકીની ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી છેતરપિંડીની રકમમાંથી બચેલા રૂ. 2,10,000ની રોકડ રકમ પણ સફળતાપૂર્વક રિકવર કરવામાં આવી છે.

