ગીર સોમનાથ જિલ્લામાં નશીલા પદાર્થોના દૂષણને ડામી દેવા માટે પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત તાલાલા પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે તાલાલા વિસ્તારમાં આવેલી 'રાજ હોટલ' માં માદક પદાર્થનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ સચોટ માહિતીના આધારે તાલાલા પોલીસે હોટલના રૂમ નંબર 205 પર અચાનક દરોડો (રેડ) પાડ્યો હતો. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન હોટલના રૂમમાંથી 1 કિલો અને 278 ગ્રામ જેટલો પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
પોલીસે રૂ.74,400નો મુદ્દામાલ કર્યો જપ્ત
હોટલના રૂમમાં ગાંજાના આ જથ્થા સાથે હાજર ઉત્તર પ્રદેશના વતની એવા શ્યામજી રામકિશોર ગુપ્તા નામના યુવકની પોલીસે ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી છે. તાલાલા પોલીસે આરોપી પાસેથી કટોકટીના ધોરણે 1.278 કિલો ગાંજો, વ્યક્તિગત મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 74,400 નો મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી આશંકા સેવાઈ રહી છે કે આ આરોપી સ્થાનિક સ્તરે યુવાધનને બરબાદ કરવા અને મોટા નફા માટે આ નશીલા પદાર્થનું છૂટક વેચાણ કરવાના ઈરાદે અહીં રોકાયો હતો.













