પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં 10 જેટલા નિર્દોષ બાળકોને ઝેરી ખોરાકની અસર એટલે કે ફૂડ પોઇઝનિંગ થવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ સંવેદનશીલ મુદ્દે 'સંદેશ ન્યૂઝ' દ્વારા અહેવાલ પ્રસારિત કરીને તંત્રની આંખ ઉઘાડવાનું કામ કરવામાં આવ્યું હતું. અહેવાલના પગલે ઊંઘતા ઝડપાયેલા આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું.
હાટ બજારના ખાણી-પીણીના સ્ટોલ પર ત્રાટક્યો ફૂડ વિભાગ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગની ટીમ દ્વારા સોમનાથના પ્રખ્યાત 'હાટ બજાર' વિસ્તારમાં સામૂહિક દરોડાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. યાત્રિકો અને સ્થાનિક લોકો જ્યાં મોટા પાયે ખાણી-પીણી માટે આવે છે, તે તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લાઓ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
શિવ શક્તિ રેસ્ટોરન્ટની ઘોર બેદરકારી આવી સામે
હાટ બજારમાં તપાસ દરમિયાન ફૂડ વિભાગની ટીમ દ્વારા 'શિવ શક્તિ રેસ્ટોરન્ટ' માં રેડ કરવમાં આવી હતી. આ રેસ્ટોરન્ટના રસોડાની તપાસ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. રેસ્ટોરન્ટમાંથી મોટા પાયે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી વાસી અને એક્સપાયરી ડેટ વાળી પાઉંભાજીનો જથ્થો મળી આવ્યો હતો. ગ્રાહકોને પીરસવા માટે રાખવામાં આવેલા પાઉં એક્સપાયરી ડેટના હતા અને ભાજી પણ વાસી અને દુર્ગંધ મારતી હતી.
વાસી ખોરાકનો નાશ કરી સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગના અધિકારીઓએ સમય ગુમાવ્યા વિના શિવ શક્તિ રેસ્ટોરન્ટમાંથી મળી આવેલા તમામ એક્સપાયરી પાઉં અને દૂષિત ભાજીના જથ્થાનો ઘટના સ્થળે જ નાશ કર્યો હતો. આ સાથે જ ખાદ્ય પદાર્થોના લાઈવ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ રેસ્ટોરન્ટ સંચાલક સામે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
નિયમો વિરુદ્ધ ચાલતા રેસ્ટોરન્ટ્સ સામે રોષ
સ્થાનિક લોકો અને યાત્રિકોમાં લાંબા સમયથી ફરિયાદ હતી કે, સોમનાથ હાટ બજારમાં અનેક રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીના સ્થળો કોઈ પણ જાતના લાયસન્સ કે આરોગ્યના નિયમોનું પાલન કર્યા વિના ધમધમી રહ્યા છે. બાળકો બીમાર પડ્યા બાદ જાગેલા તંત્રને જોઈને લોકો માગ કરી રહ્યા છે કે, આવા બેદરકાર વેપારીઓ સામે માત્ર દંડ નહીં, પરંતુ કાયમી દુકાનો સીલ કરવા જેવા કડક પગલાં ભરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈની જિંદગી જોખમમાં ના મુકાય.
આ પણ વાંચો - Gir Somnath: જયપુરથી આવેલા પ્રવાસી પરિવારના 10 બાળકોને ફૂડ પોઇઝનિંગ, નાસ્તો કર્યા બાદ બાળકોની તબિયત બગડી