પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે શ્રાવણ કૃષ્ણ અમાવસ્યાના પવિત્ર અવસરે દિવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણી અમાવસ્યાના વિશેષ પર્વે સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારની મિષ્ટાન અને વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. અન્નકૂટ શૃંગારના દિવ્ય વૈભવથી સોમનાથ મહાદેવનું ગર્ભહૃહ ઝળહળી ઉઠ્યું હતું અને સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.
‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું ધામ
પવિત્ર શ્રાવણ માસના આ માસવ્યાપી શિવોત્સવનું અન્નકૂટ મહાભોગ સાથે અત્યંત ભાવભીનું સમાપન થયું હતું. અન્નકૂટ દર્શન માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા શિવભક્તો દિવ્ય શૃંગારના દર્શન કરીને ભાવવિભોર બન્યા હતા. સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ મહાદેવના ચરણોમાં સીસ નમાવીને અદ્ભુત આધ્યાત્મિક અનુભૂતિ વ્યક્ત કરી હતી.

