પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ધામે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો અભૂતપૂર્વ ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન સમગ્ર દેશ અને વિદેશમાંથી 22 લાખ 61 હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન કરી ધન્યતા અનુભવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સોમનાથ આવતા દર્શનાર્થીઓની સંખ્યામાં જંગી વધારો નોંધાયો છે, જેણે અગાઉના તમામ રેકોર્ડ ધરાશાયી કરી દીધા છે.
શ્રાવણ માસમાં 22.61 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
શ્રાવણ માસ દરમિયાન આવેલા સાનુકૂળ તહેવારો અને રજાઓમાં ભક્તોનો પ્રચંડ ધસારો જોવા મળ્યો હતો. ખાસ કરીને જન્માષ્ટમીના પવિત્ર પર્વે એક જ દિવસમાં 1.72 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કર્યા હતા. આ ઉપરાંત, 4 થી 7 સપ્ટેમ્બર દરમિયાન આવેલા મિની વેકેશનના માત્ર ચાર દિવસોમાં જ 6.49 લાખ ભક્તો સોમનાથ તીર્થે પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર સોમનાથ ધામ 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
આ વર્ષે 1109 ધ્વજા પૂજા નોંધાઈ
કેવળ દર્શન જ નહીં પરંતુ મહાદેવના ચરણોમાં પૂજા-અર્ચના અને ધાર્મિક અનુષ્ઠાનો કરવા માટે પણ ભક્તોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. સોમનાથ મંદિરના શિખર પર લહેરાતી પવિત્ર ધ્વજા પૂજામાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. ગત વર્ષે નોંધાયેલી 801 ધ્વજા પૂજા સામે આ વર્ષે 1109 ધ્વજા પૂજા નોંધાઈ છે. આ સાથે જ સોમેશ્વર પૂજાનો આંકડો 1394 સુધી પહોંચ્યો હતો.
ગત વર્ષના તમામ રેકોર્ડ તૂટ્યા
વિશ્વશાંતિ અને લોકકલ્યાણ અર્થે શ્રાવણ માસ દરમિયાન સોમનાથ પરિસરમાં 43 લાખથી વધુ મહામૃત્યુંજય મંત્રના જાપ નોંધાયા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે પીવાના પાણી, પાર્કિંગ, દર્શન માટેની સુગમ લાઈનો અને સુરક્ષા સહિતની શ્રેષ્ઠ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. શ્રાવણ માસની આ પૂર્ણાહુતિ સાથે જ સોમનાથ તીર્થે ધાર્મિક અને પર્યટન ક્ષેત્રે એક નવો સ્વર્ણિમ ઈતિહાસ રચ્યો છે.
આ પણ વાંચો: Surat: ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે ઈ-સ્ટેમ્પના નામે રૂ. 76.44 લાખની ઠગાઈ કરનાર પતિ-પત્નીની ધરપકડ