ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાંથી એક અત્યંત ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. વેરાવળના વેરાવળ-જૂનાગઢ રોડ પર આવેલી ડૉ. ગોડસે હોસ્પિટલ નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.
સ્ક્રેપના બે ગોડાઉન આગની લપેટમાં, કાળા ડિબાંગ ધુમાડા ફેલાયા
પ્રાપ્ત વિગતો અનુસાર આગ એટલી બધી વિકરાળ હતી કે થોડી જ મિનિટોમાં તેણે આજુબાજુના સ્ક્રેપના બે મોટા ગોડાઉનોને પોતાની લપેટમાં લઈ લીધા હતા. ગોડાઉનમાં રહેલો ભંગાર અને જ્વલનશીલ સામગ્રીના કારણે આગની ઊંચી જ્વાળાઓ અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
