દેશભરમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ વ્યાપારી વર્ગમાં વિવિધ ચાર્જિસને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય વેપારી મથક એવા વેરાવળમાં 2 હજાર રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર 0.40 ટકા MDR ચાર્જ લાગુ કરવાના વિરોધમાં સ્થાનિક વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવવાની જાહેરાત કરી છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના આહ્વાનને સમર્થન આપતા વેરાવળ વેપારી એસોસિએશન અને વિવિધ વેપારી સંગઠનો દ્વારા આગામી 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે વેરાવળમાં 'નો UPI ડે' મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વેપારીઓની નફાકારકતા પર સીધી અસર

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના અવસરે વેપારીઓએ ગાંધીજીના અસહકારના માર્ગે ચાલીને પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શિત કરવાનું નક્કી કર્યું છે. આ વિરોધના ભાગરૂપે 2 ઓક્ટોબરે વેરાવળના તમામ વેપારીઓ પોતાના દુકાનો અને સંસ્થાઓમાં રાખવામાં આવેલા UPI ગેજેટ્સ પર કાળું કપડું બાંધીને અનોખી રીતે વિરોધ નોંધાવશે.આ સાથે જ તે દિવસે ગ્રાહકોને પણ ડિજિટલ પેમેન્ટના બદલે માત્ર રોકડ વ્યવહાર કરવા માટે વિશેષ અપીલ કરવામાં આવશે, જેથી સરકાર અને સંબંધિત તંત્ર સુધી વેપારીઓનો રોષ સ્પષ્ટપણે પહોંચી શકે. વેપારી અગ્રણીઓનું માનવું છે કે નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ પહેલેથી જ વિવિધ પ્રકારના ટેક્સ અને ઓપરેશનલ ખર્ચનો સામનો કરી રહ્યા છે. આવા સંજોગોમાં ડિજિટલ લેણદેણ પર MDR ચાર્જ ઝીંકવાથી વેપારીઓની નફાકારકતા પર સીધી અસર પડશે. 

લારી-ગલ્લા સંગઠનો અને વેપારી મંડળો એકસાથે આવ્યા

આ મુદ્દે માત્ર વિરોધ જ નહીં પરંતુ વહીવટી સ્તરે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વેપારી સંગઠનો દ્વારા કેન્દ્ર સરકારના નાણામંત્રીને સત્તાવાર પત્ર પાઠવીને આ વધારાનો MDR ચાર્જ ત્વરિત પાછો ખેંચવાની ઉગ્ર માંગ કરવામાં આવશે. વેરાવળમાં યોજાનાર આ 'નો UPI ડે' અને વિરોધ પ્રદર્શનને સફળ બનાવવા માટે વિવિધ બજાર એસોસિએશનો, લારી-ગલ્લા સંગઠનો અને વેપારી મંડળો એકસાથે આવ્યા છે. આગામી 2 ઓક્ટોબરે વેરાવળના બજારોમાં ડિજિટલ પેમેન્ટની સેવાઓ આંશિક અથવા સંપૂર્ણ રૂપે સ્થગિત રહી શકે છે, જેના કારણે ગ્રાહકોને પણ રોકડ વ્યવહારો સાથે રાખવાની જરૂર પડી શકે છે. વેપારીઓની આ લડત જો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તો રાજ્યના અન્ય શહેરોમાં પણ તેની અસર જોવા મળી શકે છે તેવી શક્યતાઓ વર્તાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Anand : સરદાર પટેલ યુનિ.ના ત્રિ-દિવસીય યુવક મહોત્સવનું રંગેચંગે સમાપન