ચોમાસાની આગમન સાથે જ દક્ષિણ ગુજરાતનું પ્રકૃતિધામ ડાંગ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ચોમાસાની રમણીય મોસમમાં ડાંગ જિલ્લાનો વિશ્વવિખ્યાત ગીરા ધોધ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ચારેય તરફ છવાયેલી લીલોતરી, પહાડો વચ્ચે ઘેરાયેલું ધુમ્મસ અને ઊંચાઈ પરથી ધસમસતો પડતો ગીરા ધોધ પ્રકૃતિપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. ચોમાસાનો અદભૂત નજારો માણવા માટે ડાંગ જિલ્લો હાલ પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે.

રવિવારની રજા માણવા ગુજરાત-મહારાષ્ટ્રથી પ્રવાસીઓ ઉમટ્યા

રવિવારની રજાના દિવસે ગીરા ધોધ ખાતે સવારથી જ સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી હતી. ગુજરાતના ખૂણે-ખૂણેથી તેમજ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ કુદરતના આ નયનરમ્ય દ્રશ્યો નિહાળવા માટે આવી પહોંચ્યા હતા. આ ધોધનો અદભૂત નજારો જોઈને પ્રવાસીઓ ભાવવિભોર બન્યા હતા અને પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે કુદરતી સૌંદર્યની મજા માણી હતી.

કેમેરામાં મનમોહક ક્ષણો કેદ કરવાનો પ્રવાસીઓમાં ઉત્સાહ

ગીરા ધોધની આ મનમોહક અને રમણીય છટાને પોતાના કેમેરા અને મોબાઈલમાં કેદ કરવા માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક વેપારીઓ અને પ્રવાસન ક્ષેત્રે પણ આ ભીડને કારણે રોનક જોવા મળી છે. ચોમાસાની મોસમમાં ગીરા ધોધે ફરી એકવાર પોતાની પ્રાકૃતિક સુંદરતાથી સૌકોઈના મન મોહી લીધા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો