ગોધરા શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી મીનાક્ષી ગ્રીન સોસાયટીમાં તસ્કરોએ એકસાથે ત્રણ બંધ મકાનોને નિશાન બનાવીને ભારે તરખાટ મચાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તસ્કરોએ સોસાયટીની સેફ્ટી વોલના તાર કાપીને અથવા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થાને ટાળીને તસ્કરોએ બંધ પડેલા ત્રણ મકાનોના તાળા તોડીને અંદર ચોરીનો પ્રયાસ કર્યો હતો. એકસાથે ત્રણ મકાનોના તાળા તૂટવાની ઘટનાથી સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.
એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી તસ્કરો ફરાર
તસ્કરોએ નિશાન બનાવેલા ત્રણ બંધ મકાનો પૈકી એક મકાનમાંથી સોના-ચાંદીના કિંમતી દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરીને તસ્કરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. અન્ય મકાનોમાં શું અને કેટલી માત્રામાં નુકસાન કે ચોરી થઈ છે તે અંગે મકાનમાલિકો પરત આવ્યા બાદ સ્પષ્ટ ચિત્ર ઉપસી શકશે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, બંધ મકાનોની રેકી કર્યા બાદ જ તસ્કરોએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાની શક્યતા છે, જેના કારણે રહીશોમાં સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
