પંચમહાલ જિલ્લાના ગોધરા નજીકથી પસાર થતાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક સ્વિફ્ટ કાર અચાનક ચાલકે કાબૂ ગુમાવતાં રસ્તા પર પલટી મારી ગઈ હતી. કાર પલટી જતાં જ અંદર સવાર લોકોમાં ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કૂચડો વળી ગયો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને હાઇવે પેટ્રોલીંગની ટીમ રાહત કાર્ય માટે સ્થળ પર ધસી આવી હતી.
અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આ ગોઝારા અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર કુલ ચાર લોકો પૈકી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ દિલ્હીના રહેવાસી અને ગોવા ખાતે જીએસટી (GST) ઓફિસમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા રોહિત કુમાર રાજસિંગ જાટ તરીકે થઈ છે. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં સંદીપ રણબીર સિંગ જાટ, જયદીપ પ્રેમ સિંગ જાટ અને મનોજ કુમાર નરેશ તુશિરનો સમાવેશ થાય છે, જેઓ તમામ હરિયાણાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

