રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાંથી એક અત્યંત કમકમાટીભરી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોંડલ પંથકમાં આવેલા રીબડા રેલવે સ્ટેશન અને અરડોઈ રેલવે ટ્રેક વચ્ચે એક શ્રમિક યુવાને દોડતી ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ટ્રેનની ભયાનક ટક્કર વાગવાના કારણે યુવાનનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે રેલવે ટ્રેક પર સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
વેરાવળ-ગાંધીનગર ટ્રેન નીચે ઝંપલાવ્યું
ગત મોડી રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ વેરાવળથી ગાંધીનગર જતી ટ્રેન (નંબર 22958) પસાર થઈ રહી હતી, ત્યારે યુવાને અચાનક જ કાળમુખી ટ્રેનની સામે કૂદકો મારી દીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની ઓળખ 26 વર્ષીય ધર્મેન્દ્રભાઈ રામભરોસા ચૌહાણ તરીકે થઈ છે, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા અને હાલ રાજકોટમાં રહીને છૂટક મજૂરી કામ કરતા હતા. મૃતક ધર્મેન્દ્રભાઈના લગ્ન હજુ દોઢ વર્ષ પહેલાં જ થયા હતા અને તેમના પરિવારમાં માતા-પિતા, ભાઈ તેમજ બહેન હોવાનું સામે આવ્યું છે.
