ગોંડલ પંથકમાં લોહીના સંબંધોને કલંકિત કરતી એક અત્યંત સનસનાટીભર્યા હત્યાની ઘટના સામે આવી છે. ગુંદાળા ગામે રહેતા ૨૩ વર્ષીય રામભાઈ નામના યુવકનો તેના જ ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તબક્કે પરિવારે એવું ચિત્ર ઊભું કર્યું હતું કે રામભાઈએ કોઈ ઝેરી દવા અથવા એસિડ પીને આપઘાત કરી લીધો છે. જોકે, ગોંડલ તાલુકા પોલીસને શરૂઆતથી જ આ આત્મહત્યા પાછળ કંઈક અજૂગતું હોવાની શંકા હતી, જેના કારણે પોલીસે ઝીણવટભરી ઇન્વેસ્ટિગેશન શરૂ કરી હતી.
પરિવારના આંતરિક ઝઘડાએ લીધો યુવકનો જીવ
પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક રામભાઈ દારૂ પીવાની ગંભીર કુટેવ ધરાવતો હતો. તે અવારનવાર નશો કરીને ઘરના સભ્યો સાથે અમાનુષી વર્તન અને મારપીટ કરતો હતો. ઘટનાના દિવસે પણ રામભાઈએ ઘરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ રોજ-રોજના કંકાસથી કંટાળી ગયેલા માતા-પિતાએ આવેશમાં આવીને રામભાઈને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે કળિયુગી માતાએ દીકરાને પકડી રાખ્યો અને બળજબરીથી તેના મોઢામાં એસિડ રેડી દીધું હતું. ત્યારબાદ તે તરફડિયા મારતો હતો ત્યારે પિતાએ બેરહેમીથી ઢીકાપાટુનો માર મારી તેનો ગળેટૂંપો દબાવી દીધો હતો, જેથી રામનું શ્વાસ રૂંધાવાથી કરુણ મોત નીપજ્યું હતું.
