સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. હિંમતનગર નજીક આવેલા કરણપુર ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કારની ઝડપ એટલી વધારે હતી કે તે નિયંત્રણ બહાર જઈને હવામાં ફંગોળાઈ હતી અને ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં હિંમતનગરથી શામળાજી તરફ જઈ રહેલી અન્ય એક કાર પર સીધી આવી પડી હતી.

અકસ્માતમાં 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત

બંને કાર વચ્ચે સામસામે ભયાનક ટક્કર થતાં કારનો કૂચડો નીકળી ગયો હતો. આ અકસ્માતમાં 4થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જ્યારે 2થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બનાવને પગલે હાઈવે પરથી પસાર થતા સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા મુસાફરોને ભારે જહમત બાદ બહાર કાઢ્યા હતા.

A terrible accident occurred in Sabarkantha

હાઈવે પર ટ્રાફિક જામ અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, જેના આધારે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે હાઈવેના એક તરફના રોડ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા, જેના લીધે વાહનવ્યવહાર થોડા સમય માટે થંભી ગયો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરવાની અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો