દૂધમાં મિલાવટ,રૂપિયા 10માં નોકરીઓનું વેચાણ થયાની ઓડિયો ક્લિપથી દિવસેને દિવસે વધુને વધુ વિવાદમાં ધકેલાઈ રહેલા સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સાબર ડેરીમાં નવા ચેરમેનની ચૂંટણી પહેલા હોર્સ ટ્રેડિંગ થઈ રહ્યાના આક્ષેપો થયા છે.આ વિવાદમાં વધુ ભડકો થાય અને મોટા માથાના નામો ખુલે તેના પહેલા જ ભાજપ અને સરકારે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે.બુધવારે કેબિનેટની બેઠક બાદ વર્તમાન ચેરમેન શામળ પટેલ સહિતના આગેવાનોને અહીંયા મંત્રી નિવાસમાં પ્રભારી મંત્રીઓએ બોલાવીને બેઠક યોજી હતી.

તમામ ડિરેક્ટરોને મહત્ત્વની બેઠક માટે તેડું મોકલ્યું

ડેરીમાં આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આવતીકાલે 6 નવેમ્બરના રોજ છે.જેને લઈ સહકારી રાજકારણમાં મોટો ગરમાવો છે. ભાજપમાંથી સત્તાવાર મેન્ડેટ પહેલાં જ વિપુલ પટેલને ચેરમેન બનાવવાની હિલચાલથી સ્થાનિક સ્તરે નારાજગી ફેલાઈ છે.ચેરમેન પદ માટે નવા ચહેરાને સત્તા સોંપવાની ચર્ચાઓ વચ્ચે ભાજપના સ્થાનિક ધારાસભ્યો,સાંસદો સેન્સ લેવાની પ્રક્રિયાથી સંપૂર્ણપણે દૂર રહ્યા હતા.સંગઠનમાં ઊભી થયેલી આ ખુલ્લી આંતરિક ખેંચતાણને પગલે પ્રદેશ ભાજપ નેતૃત્વ દ્વારા તાકીદે તમામ ડિરેક્ટરોને મહત્ત્વની બેઠક માટે તેડું મોકલ્યું હતું.બુધવારે બપોરે પછી મંત્રીનિવાસમાં પ્રભારી મંત્રી ઋષભભાઈ સોલંકી અને પ્રદ્યુમન વાજાને ત્યાં પ્રદેશના નેતા સાથે એક બેઠક મળી હતી.

મતો મેળવવા આંતરિક સ્તરે બેઠકોનો દોર શરૂ થયો 

વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપમાં ડેરીમાં નોકરી અપાવવાના બહાને ઉમેદવારો પાસેથી રૂ.10 લાખથી 20 લાખની માંગણી કર્યાના ગંભીર આક્ષેપો થયા છે. એટલું જ નહીં, આ ડેરીના વહીવટમાં દૂધ ઉત્પાદક પશુપાલકોના હિતોને બદલે અમુક ચોક્કસ કોન્ટ્રાક્ટરો- વચેટિયાઓનું પ્રભુત્વ વધ્યાની ફરિયાદો વચ્ચે દૂધમાં મિલાવટના બનાવો છતાંય કોઈ જ પ્રકારની કાર્યવાહી થતી નથી એ મુદ્દે પણ સપાટી ઉપર આવ્યો છે. ડેરીમાં પોતાની બહુમતી સાબિત કરવા માટે ડિરેક્ટરોનો મતો મેળવવા આંતરિક સ્તરે બેઠકોનો દોર શરૂ થયો છે. આવી ખેંચતાણ વચ્ચે ડિરેક્ટરોનું હોર્સ ટ્રેડિંગ શરૂ થયાની આશંકાએ ભારે જોર પકડ્યું છે, જેના કારણે વાતાવરણ ડહોળાયું છે.

નિયામક મંડળમાં ભારે અટકળો લગાવવામાં આવી રહી છે

ડેરીમાં સર્વોચ્ચ સત્તા મેળવવા માટે ચાલી રહેલી આંતરિક ખેંચતાણના કારણે સહકારી ક્ષેત્રમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. ગાંધીનગર ખાતે મળેલી બેઠકો અને સભ્યોની રજૂઆતો બાદ હવે પ્રદેશ ભાજપનું મોવડીમંડળ સમગ્ર મામલે આખરી નિર્ણય લેશે.6 તારીખે સાબર ડેરીના નવા સુકાનીનો આખરી ફેંસલો કરવામાં આવશે, જેથી તે દિવસે ડેરીના વહીવટની કમાન કોના હાથમાં સોંપવામાં આવશે તે બાબત સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે.ચેરમેન પદની રેસમાં કોણ ફાવી જશે અને વાઇસ ચેરમેન પદ કોના ફાળે જશે તે અંગે નિયામક મંડળમાં ભારે અટકળો લગાવવામાં આવી રહી છે. વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલને ફરી રિપીટ કરવામાં આવશે કે નહીં તેના પર પણ સહકારી આગેવાનોની નજર ટકેલી છે.બીજી તરફ ચેરમેન પદની આ સ્પર્ધામાં વિપુલ પટેલ, ભોગીલાલ પટેલ અને જેઠાભાઈ પટેલનાં નામ પણ મોખરે ચાલી રહ્યાં છે.આ તમામ દાવેદારો દ્વારા ડેરીના સત્તાના સમીકરણો બદલવા માટે અત્યારથી જ જોરદાર લોબિંગ શરૂ કરી દેવાયું છે. 

આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્ય સરકારે વર્ષ 2027ની રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું, જાણો કઈ કઈ રજાઓ મળશે