સાબરકાંઠા જિલ્લાના રાજકારણમાં સાબરડેરી અને સાબરકાંઠા બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની આવતીકાલે યોજાનારી ચૂંટણી મોકૂફ રાખવાના નિર્ણયથી ભારે ખળભળાટ મચ્યો છે. ચૂંટણી મોકૂફ રાખવા પાછળ વહીવટી કારણો દર્શાવવામાં આવ્યાં છે, પરંતુ રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને ભાજપમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે એક નામ પર સહમતી ન સધાતાં આંતરિક ખેંચતાણની ચર્ચા તેજ બની છે.

ચૂંટણી અધિકારીની તબિયતના કારણે ચૂંટણી મોકૂફ

સાબરડેરી અને સાબરકાંઠા બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની 6 નવેમ્બરે યોજાનારી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન હિંમતનગરના ચૂંટણી અધિકારી એસડીએમ નાદુરસ્ત તબિયતના કારણે રજા પર ઊતરી ગયા હોવાનું જણાવાયું છે. વહીવટી કારણોસર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હોવાનો સરકારી ખુલાસો છે. જોકે, ચૂંટણી અધિકારી રજા પર ગયા હોય તો તેમના સ્થાને અન્ય અધિકારીને ચાર્જ સોંપીને ચૂંટણી પ્રક્રિયા કેમ આગળ ન વધારવામાં આવી, તેવો સવાલ પણ ઊઠી રહ્યો છે.

ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ખેંચતાણ

સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે એકથી વધુ દાવેદારો મેદાનમાં હોવાની ચર્ચા છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ડિરેક્ટરોને ગાંધીનગર બોલાવી ચર્ચા કરવામાં આવી હોવા છતાં એક નામ પર સહમતી સધાઈ ન હોવાનું કહેવાય છે.

16માંથી 9 ડિરેક્ટરો નારાજ હોવાની ચર્ચા

સાબરડેરીના કુલ 16 ડિરેક્ટરોમાંથી આશરે 9 ડિરેક્ટરો નારાજ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ 16 ડિરેક્ટરોમાંથી 15 ભાજપના અને 1 કોંગ્રેસના છે. ડિરેક્ટરો વચ્ચે મતભેદ અને જૂથબંધી હોવાની ચર્ચાઓએ રાજકીય ગરમાવો વધાર્યો છે.

આંતરિક અસંતોષને કારણે ચૂંટણી અટકી?

સ્થાનિક રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે સત્તાધારી પક્ષમાં આંતરિક અસંતોષ અને જૂના વિવાદોને કારણે ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હોઈ શકે છે. જોકે, ચૂંટણી મોકૂફ રાખવા પાછળનું સત્તાવાર કારણ વહીવટી હોવાનું જણાવાયું છે. આથી રાજકીય ચર્ચાઓ અને સત્તાવાર કારણ વચ્ચેની સ્થિતિ સ્પષ્ટ થવાની રાહ જોવાઈ રહી છે.

સાબરકાંઠાના રાજકારણમાં આગળ શું થશે?

સાબરડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી મોકૂફ રહેતાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદના દાવેદારોની ખેંચતાણ હવે કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર છે. ભાજપના ડિરેક્ટરો વચ્ચે સહમતી સધાય છે કે આંતરિક વિવાદ વધુ વકરે છે તે આગામી રાજકીય ઘટનાક્રમમાં સ્પષ્ટ થશે.  


આ પણ વાંચો :   Bhavnagar : કાજલ બારૈયા હત્યા કેસમાં ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ