સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ પોશીના વિસ્તારમાંથી એક માસૂમ બાળકીને લાલચ આપી કે અપહરણ કરીને તેનો સોદો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ મામલે સાબરકાંઠા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. કેસની ગંભીરતાને ધ્યાને રાખીને સાબરકાંઠા SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) અને AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) ની ખાસ ટીમો રચવામાં આવી હતી.
પોશીનાની બાળકીના વેચાણથી શરૂ થયેલી તપાસ
ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે પોલીસે મુંબઈ ખાતે દરોડો પાડીને બાળ તસ્કરીના મુખ્ય માસ્ટરમાઇન્ડ અને દલાલ એવા સીતારામ પરમાર તથા કવિતાને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ અને રિમાન્ડ અર્થે હિંમતનગર લાવવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા માસ્ટરમાઇન્ડ સીતારામ પરમાર અને કવિતાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેઓએ કબૂલાત કરી છે કે અત્યાર સુધીમાં સાબરકાંઠા અને આસપાસના વિસ્તારોમાંથી આશરે 12 જેટલા માસૂમ બાળકોને ખરીદીને અન્ય રાજ્યો કે વ્યક્તિઓને વેચવામાં આવ્યા છે.
