સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા નેશનલ હાઈવે 48 પર આજે વહેલી સવારે એક અત્યંત ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરના GIDC ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી 3 ટ્રકો વચ્ચે સર્જાયેલા આ ત્રિપલ અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને કારણે હાઈવે પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ટાયર ફાટતાં સર્જાયું વાહનોનું ગંભીર કોલાઈઝન

અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર, GIDC ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહેલી આઈશર ટ્રકનું આગળનું ચાલક તરફનું ટાયર અચાનક ફાટ્યું હતું. ટાયર ફાટવાના કારણે આઈશર ટ્રક પરથી ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. તે જ સમયે પાછળથી આવી રહેલું ટ્રક કન્ટેનર આઈશર સાથે ધડાકાભેર અથડાયું હતું, અને તેની પાછળ અન્ય એક આઈશર ટ્રક આવીને અથડાતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

કેબિન કાપીને 2 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર લવાયો

આ ભયાનક અકસ્માતમાં આઈશર ટ્રકનો આગળનો ભાગ બુરી રીતે કચડાઈ ગયો હતો, જેના કારણે ચાલક સ્ટીયરીંગ અને કેબિન વચ્ચે ગંભીર રીતે દબાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ હાઈવે ટ્રાફિક પોલીસ અને A ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. કેબિનમાં ફસાયેલા ચાલકનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. પોલીસે કટર અને ક્રેનની મદદથી સતત 2 કલાકની ભારે જહેમત બાદ કેબિન કાપીને ચાલકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

Sabarkantha News: Himmatnagar Highway Triple Truck Road Accident

પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ ખસેડી તપાસ શરૂ કરી

પોલીસ દ્વારા મૃતદેહને કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોસ્ટ મોર્ટમ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના કારણે ઓવર બ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે વાહનો દૂર કરાવીને થાળે પાડી હતી. પોલીસે ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવા અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: Sabarkantha પંથકમાં માર્ગ અકસ્માતનો હાહાકાર: પૂરઝડપે દોડતી કારે બાઈકને અડફેટે લેતા એક યુવકનું મોત