સાબરકાંઠા જિલ્લામાંથી ભક્તિ અને પ્રકૃતિ સાથે જોડાયેલા એક ખૂબ જ સુંદર અને અનોખા સમાચાર સામે આવ્યા છે. ચાલુ સિઝનમાં વરસાદ ખેંચાવાના કારણે જિલ્લાના ધરતીપુત્રો પોતાના પાકને લઈને ભારે ચિંતામાં મુકાયા છે. ત્યારે જગતના તાતના આ સંકટને દૂર કરવા અને મેઘરાજાને મનાવવા માટે જિલ્લાની પ્રાથમિક શાળાઓના નિર્દોષ બાળકો અને શિક્ષકો વહારે આવ્યા છે. શાળાઓમાં પ્રાર્થના સભા દરમિયાન વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક શિક્ષણ સંઘના આહ્વાન પર શાળાઓમાં બોલાવાઈ રામધુન

સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આ ભગીરથ અને સંવેદનશીલ કાર્યનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સંઘના આહ્વાન બાદ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં સવારની પ્રાર્થના સભા દરમિયાન રામધુનનું આયોજન કરાયું હતું. જેમાં હાથ જોડીને માસૂમ બાળકો અને ગુરુજનોએ એકસૂરે ભગવાન રામ અને નારાયણના નારા લગાવી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

ખેડૂતોના પાકને રક્ષણ મળે તે માટે જલ્દી વરસાદ લાવવા પોકાર

આ અનોખા પ્રયાસ પાછળનો મુખ્ય હેતુ ખેડૂતોના હિતનો છે. વાવણી કર્યા બાદ વરસાદ ન પડવાને કારણે મોંઘા મૂલા બિયારણ અને પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના આ આર્થિક નુકસાનને અટકાવવા અને કુદરત રૂઠે નહીં તે માટે બાળકોએ પવિત્ર હૃદયથી મેઘરાજાને જલ્દીથી પધારવા માટે વિનવણી કરી હતી. આ રામધુનમાં બાળકો અને શિક્ષકો ખૂબ જ મોટી સંખ્યામાં આસ્થાભેર જોડાયા હતા.


શિક્ષણ સંઘના પ્રમુખ વિનય પટેલે આપી વિસ્તૃત માહિતી

આ અનોખી કવાયત અંગે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ વિનય પટેલે મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું હતું કે, ખેડૂત એ આખા જગતનો તાત છે, અને જ્યારે તેનો પાક મુશ્કેલીમાં હોય, ત્યારે ભાવિ પેઢી એવા બાળકોના મુખેથી નીકળેલી પ્રાર્થના પ્રભુ સુધી જલ્દી પહોંચે છે. આ આશય સાથે જ તમામ શાળાઓમાં રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી મેઘરાજા જલ્દી મહેરબાન થાય અને ધરતી લીલીછમ બને. આ અનોખા પ્રયાસની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.


આ પણ વાંચો - Sabarkantha News: ગામભોઈમાં બંધ મકાનમાંથી ચાલતું જુગારધામ ઝડપાયું, 3 કાર અને રોકડ સહિત રૂ. 11.45 લાખનો મુદ્દામાલ જપ્ત