અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઇવે પર ધોલેરા નજીક એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. સુરતથી આવી રહેલી એક કાર અચાનક ચાલકના કાબૂ બહાર જતાં માર્ગ પર પલ્ટી ખાઈ ગઈ હતી. કાર પલ્ટી ખાતાં જ તેમાં શોર્ટ સર્કિટ કે ઈંધણ લીકેજના કારણે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે આખી કારને લપેટમાં લઈ લેતાં અંદર બેઠેલા લોકોને બહાર નીકળવાનો મોકો પણ મળ્યો નહોતો.

માતા અને પુત્રનું જીવંત સળગી જતાં મોત

આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર માતા અને તેમના 1 વર્ષના પુત્રનું ઘટનાસ્થળે જ હોમાઈ જતાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક પરિવાર મૂળ ધોલેરા તાલુકાના ઓતારીયા ગામનો વતની છે અને હાલ સુરત ખાતે રહે છે. તેઓ સુરતથી પોતાના વતન ઓતારીયા ગામે એક પ્રસંગિક કામ અર્થે આવી રહ્યા હતા, તે દરમિયાન ગામ પહોંચે તે પહેલાં જ કાળનો પંજો ત્રાટક્યો હતો. એક જ પરિવારના બે સભ્યોના કરુણ મોતથી ઓતારીયા ગામમાં અરેરાટી અને ભારે શોકની કાળી ડિબંગ છાયા વ્યાપી ગઈ છે.

ધોલેરા પોલીસે સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

ઘટના અંગેની જાણ થતાં જ ધોલેરા પોલીસનો કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો અને કારમાંથી મૃતદેહોને બહાર કાઢી પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત કયા કારણોસર સર્જાયો અને કારમાં આગ કેવી રીતે લાગી તે અંગે ધોલેરા પોલીસે કાયદેસરનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો