સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલી મણિયોર ગ્રામ પંચાયત વિસ્તારની સરકારી ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર રીતે લાખો મેટ્રિક ટન રેતીનું ખનન કરવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. મણિયોર ગામના સર્વે નંબર 175 અને 176 ની ગૌચર જમીનમાંથી ખાણ-ખનીજ માફિયાઓ દ્વારા દિવસ-રાત કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી વિના બેફામ રેતી ચોરી આચરવામાં આવી રહી હોવાના અહેવાલથી ભારે ચકચાર મચી ગઈ છે.

Allegations of sand mining in grazing land in Idar!

નેશનલ હાઈવે 168-Gના કામના નામે ખનન માફિયાઓ બેફામ

હાલ ઈડર પંથકમાં નેશનલ હાઈવે 168-G નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરીનો આડશ લઈને રેત ચોરો દ્વારા મણીયોર ઉપરાંત લાલોડા, કુકડીયા, બડોલી અને ગોધમજી સહિતના આસપાસના અનેક ગામોની ગૌચર જમીનોમાંથી હજારો મેટ્રિક ટન રેતી ઉપાડી લેવામાં આવી છે. તંત્રની જાણ બહાર કે સેટિંગમાં ચાલી રહેલા આ કૌભાંડને કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે.

Allegations of sand mining in grazing land in Idar!

તપાસના આદેશ આપી અધિકારીઓ છટકબારી શોધતા હોવાનો આક્ષેપ

અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ ઈડર તાલુકા વિકાસ અધિકારી (TDO) એ જાગીને મણિયોર ગ્રામ પંચાયતના સરપંચ પાસે આ મામલે સત્તાવાર ખુલાસો માંગ્યો છે. જોકે, સ્થાનિક ગ્રામજનો અને જાગૃત નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે તલાટી, TDO, મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતનો મોટો કાફલો હોવા છતાં ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે. માત્ર તપાસના આદેશો આપી અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોઈ ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક પગલાં લેવાય તે અત્યંત જરૂરી બન્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો