ઈડર શહેરમાં આવેલા રાણી તળાવ ખાતે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. ઈડરના 4 યુવાનો રાણી તળાવમાં નાહવા માટે પડ્યા હતા. તળાવમાં નાહતી વખતે યુવાનો અચાનક ઊંડા પાણી અને ખાડા તરફ સરકી જતાં ડૂબવા લાગ્યા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી.

ઈડરના રાણી તળાવમાં મોટી દુર્ઘટના

આસપાસમાં હાજર સ્થાનિક નાગરિકોનું ધ્યાન જતાં તેઓ ત્વરિત મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ સમયસૂચકતા અને હિંમત દાખવીને તળાવમાં ડૂબી રહેલા 4 યુવાનો પૈકી 3 યુવાનોને સલામત રીતે બહાર ખેંચી કાઢ્યા હતા. જોકે, 1 યુવક તળાવના ઊંડા પાણીના ખાડામાં ગરકાવ થઈ જતાં તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.ઘટનાની જાણ થતાં જ ઈડર ફાયર બ્રિગેડની ટીમ અને ઈડર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક રાણી તળાવ ખાતે પહોંચી ગયો હતો. ફાયર વિભાગના તરવૈયાઓએ તળાવના ઊંડા પાણીમાં ડૂબેલા યુવકની શોધખોળ હાથ ધરી છે.

યુવક ઊંડા ખાડામાં ગરકાવ થયો

પ્રાથમિક માહિતી મુજબ ડૂબેલો યુવક ઈડર શહેરનો જ સ્થાનિક રહેવાસી છે. બનાવની જાણ થતાં જ યુવકના પરિવારજનો અને ગ્રામજનોના મોટા ટોળેટોળાં રાણી તળાવ કિનારે ઉમટી પડ્યા હતા, જેને પગલે વાતાવરણ ગમગીન બન્યું છે.ઈડર પોલીસે ઘટનાસ્થળે ટ્રાફિક અને ભીડ નિયંત્રિત કરી ફાયર બ્રિગેડની મદદથી રેસ્ક્યૂ કામગીરી ઝડપી બનાવી છે.

આ પણ વાંચો:Vadodara: ફતેહગંજમાં 160 કિલો અખાદ્ય બિરયાનીનો નાશ, દુકાન તાત્કાલિક બંધ કરાવાઈ