ઈડર તાલુકાના હસનપુરા સ્થિત પ્રાથમિક શાળામાં પોષણ યોજના હેઠળ પીરસવામાં આવેલા ભોજનમાંથી મૃત ગરોળી મળી આવવાની અને ત્યારબાદ ફુડ પોઈઝનિંગની ઘટના સામે આવતા જ વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે.આ ગંભીર બેદરકારી બદલ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરીને શાળાના શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જ્યારે પોષણ યોજના સાથે જોડાયેલા 3 કર્મચારીઓને ફરજમુક્ત કરી દેવામાં આવ્યા છે.

શાળાના શિક્ષક સસ્પેન્ડ, રસોઈયા સહિત 3 કર્મચારી ફરજમુક્ત

ફુડ પોઈઝનિંગની આ ઘટનામાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ બાદ ઘોર બેદરકારી દાખવનાર પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક અનિલાબેન સુથારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.શિક્ષક સામે લેવાયેલા આ કડક પગલાના કારણે શિક્ષણ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.આ ઉપરાંત, ભોજન બનાવવામાં લાપરવાહી બદલ પોષણ યોજનાના રસોઈયા જમીલાબેન બી.બલોચ અને મદદનીશ સુગરાબેન એ.સંઘી સહિત કુલ 3 કર્મચારીઓને સેવાઓમાંથી તુરંત જ ફરજમુક્ત કરાયા છે.

તમામ બાળકો સુરક્ષિત હોવાથી હોસ્પિટલમાંથી રજા અપાઈ

ભોજન આરોગવાથી અસરગ્રસ્ત થયેલા તમામ 36 બાળકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.તબીબોની સમયસરની સારવાર બાદ હાલ તમામ બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત હોવાથી તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.આ ઘટનાને ગંભીરતાથી લઈને જિલ્લા તંત્ર દ્વારા સાબરકાંઠા જિલ્લાના તમામ 1200 જેટલા પીએમ પોષણ કેન્દ્રોમાં તાકીદે તપાસ હાથ ધરવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે.આ સાથે જ તંત્ર દ્વારા તમામ શાળાઓ માટે કડક સૂચના જારી કરવામાં આવી છે કે હવેથી બાળકોને ભોજન પીરસતા પહેલા શાળાના આચાર્ય અથવા કોઈ શિક્ષકે ભોજનનું ગુણવત્તા ચકાસણી માટે ટેસ્ટિંગ કરવું ફરજિયાત રહેશે.


આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યના શ્રમિક પરિવારોને મળશે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર